24/06/2023
આજે કસુંબા છઠ્ઠનો ઉત્સવ
આપ સર્વે વૈષ્ણવો ને કસુંબા છઠના ઉત્સવની વધાઈ. આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગનો સાજ અને વસ્ત્ર ધરવામાં આવે છે. આજના દિવસે શ્રીગુસાંઈજીની સાથે સાથે શ્રીકૃષ્ણદાસ અધિકારીજીને યાદ કરીને વંદન કરીએ. આજની એકવીસમી સદીમાં શ્રીકૃષ્ણદાસ અધિકારી જેવા અધિકારીની ખુબ જ ખોટ વર્તાઈ રહી છે.
આજના દિવસે શ્રીગુસાંઈજીનો વિરહ સમાપ્ત થયો. શ્રી કૃષ્ણદાસ અધિકારીએ આપશ્રીને શ્રીનાથજીની સેવામાંથી દુર કર્યા હતા તે દિવસ પોષ સુદ છઠનો હતો. આ વિરહતાપના દિવસો શ્રીગુસાંઈજીએ ચંદ્ર સરોવર પર બેસી વિરહમાં વ્યતીત કર્યા હતા. આ દિવસોમાં આપશ્રી દુરથી શ્રીજીબાવાના દર્શન કરતા. પછી જયારે કૃષ્ણદાસજીને જેલમાં પૂર્યા. આપશ્રીને જયારે ખબર પડી કે કૃષ્ણદાસને જેલમાં પૂર્યા છે ત્યારે ખુબ જ દુખી થયા અને આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસને જેલમાંથી છોડવામાં નહી આવે ત્યાં સુધી હું જળ ગ્રહણ નહી કરું. શ્રીકૃષ્ણદાસજી શ્રીમહાપ્રભુજીના સેવક છે અને શ્રીનાથજીના અધિકારી છે એટલે એમની સાથે આવો દુર્વ્યવહાર ના કરાય. પછી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી મુક્ત કર્યા. ત્યારબાદ શ્રીગુંસાઈજી સેવામાં પાછા પધાર્યા. તે આ કસુંબા છઠનો દિવસ.
આ આખો પ્રસંગ આજે આપણે માણીએ.
"કૃપાનાથ ! શ્રીનાથજી આજ્ઞા કરે છે કે, આજે હું ‘રાજભોગ’ આરોગ્યો નથી", માટે ભીતરીયાએ બેઠકમાં આવી શ્રીગુસાંઈજીના ચરણ દબાવી જગાડીને કહ્યું -
“પ્રાણપ્યારે ‘રાજભોગ’ આરોગ્યા નથી ? આજ આમ કેમ બન્યું ? તમને ખબર નથી ? તમારો તો કાંઈ અપરાધ થયો નથીને ?” આપશ્રીએ સફાળા જાગીને પૂછ્યું.
“ના કૃપાનાથ ! અમને તો કાંઈજ ખબર નથી. હંમેશની માફક આજ પણ ‘રાજભોગ’ ધર્યો હતો. કંઈ ભૂલચૂક થયેલી તો દેખાતી નથી".
“જાઓ, ઝટ અપરસમાં નાહી જલ્દી થાય તેવી સામગ્રી સિદ્ધ કરો; જરા પણ વિલંબ કરશો નહિ હું તુરત જ આવું છું.”
“જેવી રાજની આજ્ઞા.”
તરત જ ભીતરીય અપરસમાં નાહી રસોઈ ઘરમાં ગય. ત્યારબાદ આપશ્રી પણ તિલક-મુદ્રા ધારણ કરી પધાર્યા. જલ્દી સિદ્ધ થાય તે માટે ભીતરીયાએ વડીભાતની સામગ્રી સિદ્ધ કરી. તેનો ડબરો લઈ આપશ્રી શ્રીનાથજીને આરોગાવવા નિજ મંદિરમાં પધાર્યા અને ભોગ ધર્યો.
ભોગ સરાવી બીડાં આરોગાવી કપોલપ્રદેશ પર સુકોમળ હસ્ત ફેરવતાં પૂછ્યું; “બાબા, આજ આમ કેમ રાજભોગ ન આરોગ્યા ? અમારો શું અપરાધ થયો ? કૃપા કરીને જણાવશો ?”
શ્રીનાથજીએ કહ્યું “આજ મારા રાજભોગ ઉપર ગંગા ક્ષત્રાણીની ર્દષ્ટિ પડી હતી. આથી હું રાજભોગ આરોગ્યો ન હોવાથી ભીતરીયા દ્વારા આપને જાણ કરાવી.”
આપશ્રી તરત વડીભાતનો ડબરો લઈ મંગલ કરી બહાર પધાર્યા. જ્યારે આપશ્રી બેઠકમાં પધારતા હતા ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ પૂછ્યું “અહો ! આજ શ્રીનાથજી વડીભાત બહુ પ્રસન્નતાથી આરોગ્યા જણાય છે. કૃપાનાથ ! અત્યારે ફરીથી ભોગ ધરવાનું કેમ થયું ? કંઈ સમજ પડતી નથી !”
શ્રીનાથજીને પરિશ્રમ પડવાથી આપશ્રીના મનમાં કૃષ્ણદાસ પ્રતિ રોષની લાગણી પ્રગટી હતી. મુખાકૃતી ઉપર તે સ્પષ્ટ જણાઈ આવતી હતી. આપશ્રીએ કહ્યું “તમારે લીધે જ આજે શ્રીનાથજી ભૂખ્યા રહ્યા ! અરે ! આપને અત્યંત પરિશ્રમ પડ્યો !”
“ મારે લીધે ? આપ આ શું કહો છો ? કૃષ્ણદાસ આશ્ચર્યપૂર્વક સહસા બોલી ઊઠ્યા.
શ્રીગુસાંઈજીએ પણ રોષભરી વાણી ઉચ્ચારીઃ “આ તમારાં ગંગા ક્ષત્રાણીનો પ્રતાપ. હું ઘણીવાર ‘ના’ કહેતો છતાં તમારી સંમતિથી તે મંદિરમાં જ્યાં ત્યાં ફરતાં. પછી આવું જ થાયને ! શ્રીનાથજીના રાજભોગ ઉપર તેમની ર્દષ્ટિ પડી અને સુકુમાર શ્રીનાથજી આજે ભૂખ્યા રહ્યા. કેટલો અનર્થ ! કેવો અપરાધ !”
આમ કહી આપશ્રી તો બેઠકમાં પધાર્યા. પરંતુ કૃષ્ણદાસજીને તો અધિકારી પદનો ગર્વ થયો હતો. શ્રીગુસાંઈજીનાં વચનો તેમના હદય સોંસરવા નીકળી ગયાં. તેમનાં રૂંવાડે રૂંવાડે ક્રોધની જવાલા ફરી વળી. તેમને થયું કે, “શું શ્રીગુસાંઈજી મને શ્રીનાથજીના અધિકારીને આ પ્રમાણે બોલે ? અત્યારે જ શ્રીપુરૂષોત્તમજીને શ્રીનાથજીની સેવા હસ્તગત કરવા વિનંતી કરવા જાઉં.
આમ વિચાર કરતાં તેમને યાદ આવ્યું કે, પિતા પછી માલિકી જ્યેષ્ઠ પુત્રની હોય છે અને જયેષ્ઠ પુત્ર પછી તેની માલિકી તેનાં જયેષ્ઠ પુત્રની હોય છે. માટે જ શ્રીમહાપ્રભુજી પછી ખરા માલિક તો શ્રીગોપીનાથજી અને શ્રીગોપીનાથજી પછી તેમના લાલજી શ્રીપુરુષોત્તમજી છે. શ્રીગુસાંઈજી તો શ્રીગોપીનાથજીના લઘુ ભ્રાતા છે માટે શ્રીનાથજીની સેવાના ખરા હક્કદાર તે નથી.
તુરત જ કૃષ્ણદાસ શ્રીપુરૂષોત્તમજી પાસે ગયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સન્મુખમાં બેઠાં. શ્રીપુરૂષોત્તમજીએ આવકાર આપતાં કહ્યું “આવો, શ્રીનાથજીના અધિકારીજી, આમ એકાએક કેમ આવવું થયંી ?” આગળ પાછળની વાતો કર્યા પછી કૃષ્ણદાસે બે હાથ જોડી કહ્યું એક વિનંતી કરવા આવ્યો છું. શ્રીનાથજીના ખરા હક્કદાર તો આપશ્રી છો અને શ્રીગુસાંઈજી સેવા કરે છે. ત્યારે આપશ્રી સેવા કરવા પધારો તો શું ખોટું ? ન્યાયી વાત છે કે, હક્કદાર તો આપ જ છો. એમાં કોણ ના પાડી શકવાનું હતું ? જો આપશ્રીની આજ્ઞા હોય તો અત્યારેજ પ્રબંધ કરૂં.
શ્રીપુરૂષોત્તમજીએ કહ્યું “અરે, કૃષ્ણદાસજી ! તમારી બુદ્ધિ ફરી તો નથી ગઈ ? તમારૂં મગજ બહેર મારી ગયું લાગે છે ! તમે આ શું બોલો છો ? કાકાજી જે કરે છે તે વ્યાજબી જ છે; મને તેમાં જ આનંદ રહેલો છે. તમને આવી બુદ્ધિ કોણે સૂઝાડી ?”
“કૃપાનાથ ! મારૂં કહ્યું માનો. શ્રીનાથજીની સેવાનો અલભ્ય લાભ શા માટે જતો કરો છો ?”કૃષ્ણદાસે ચતુરાઈ ભરેલી અનેક દલીલો કરવાથી અને પ્રલોભનો બતાવવાથી ભગવદિચ્છાએ શ્રી પુરૂષોત્તમજીનું મન પણ બદલ્યું, અને તેમણે સંમતિ આપી. કૃષ્ણદાસે શ્રીપ્રભુચરણ સેવામાં પધારે તે પહેલાં મંદિરે જઈ મંદિરનો કબજા લેવા વિનંતી કરી. ત્યારબાદ તે પોતાના મુકામે ગયા. શ્રીપ્રભુચરણના આગમન પહેલાં શ્રી પુરૂષોત્તમજી ત્યાં પધાર્યા. અને આખા મંદિરનો કબજો લઈ લીધો.
જ્યારે શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ ત્યાં પધારતાં હતા ત્યારે રસ્તામાં દંડોતી શિલા આગળ કૃષ્ણદાસે તેમને રોક્યા, અને કહ્યું "અહીંથી જ પાછા ફરો. કારણ હવે આપ સેવામાં પધારશો નહિ. સેવાના ખરા હક્કદાર તો શ્રી પુરૂષોત્તમજી છે. અને તેઓશ્રી મંદિરમાં શ્રીનાથજીની સેવા માટે પધાર્યા છે, તેથી આપ હવે પધારશો નહિ".
આપશ્રી ભગવદિચ્છા જાણીને, ગૃહકલેશ વધારવો ઊચિત ન લાગતાં, તરતજ પાછા પધાર્યા.
હવે આપશ્રી ચંદ્ર સરોવર પર પારાસોલીમાં વિરહાવસ્થામાં રહેવા લાગ્યા. શ્રીનાથજી વિના આપને ચેન પડતું નથી. પણ શું કરે ? “બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા” સમજી ત્યાં બિરાજવા લાગ્યા. આપશ્રી અન્નનો પણ ત્યાગ કરી ફલાહાર ઉપર રહેવા લાગ્યા. પોતાના પ્રાણપ્યારા પ્રભુ સિવાય ભોજન પણ કેમ લેવાય ? આ સમયમાં આપશ્રી વિરહમાં વિજ્ઞપ્તિઓ લખતા હતા. ફૂલની માળા ગુંથી શ્રીનાથજીના મુખિયાજી રામદાસ આપનાં દર્શને આવતા ત્યારે માળા અને વિજ્ઞપ્તિ પત્રો તેમને આપતા. રામદાસજી માળા શ્રીનાથજીને ધરતા અને વિજ્ઞપ્તિ પત્રો શ્રીનાથજીને આપતા. આ વાંચી શ્રી ગોવર્દ્ધનધર પોતાની પાનની પીકથી પાન ઉપર પ્રત્યુત્તર લખી આપતા. આ પ્રત્યુત્તર વાંચી શ્રીગુસાંઈજીને શાંતિ થતી. ત્યારબાદ તે પ્રત્યુત્તર જળમાં ઘોળી આપશ્રી પી જતા. શ્રીનાથજી આપશ્રીને ચંદ્ર સરોવર તરફ પડતી બારીમાંથી દર્શન આપતા. આપના નયન-મનોહર સ્વરૂપનાં દર્શન કરી આપશ્રી પ્રાણ ટકાવી રાખતા.
કૃષ્ણદાસને કોઈ ચુગલીખોરે આવી કહ્યું “અધિકારીજી, મુખિયાજી તો રોજ શ્રીગુસાંઈજીનાં દર્શન કરવા જાય છે અને ફુલની માળા શ્રીગુસાંઈજી આપે છે, તે શ્રીનાથજીને ધરાવે છે. શ્રીનાથજી શ્રીગુંસાઈજીને ચંદ્રસરોવર પર પડતી બારીમાંથી દર્શન પણ આપે છે. ખાત્રી કરવી હોય તો કરી જોજો.”
આથી કૃષ્ણદાસનો પિત્તો ઊછળ્યો. તરત રામદાસને બોલાવ્યા અને ધમકાવી ગુસ્સેથી કહેવા લાગ્યાઃ “રામદાસ, તમે શ્રીગુસાંઈજી પાસે જવાનું બંધ કરો. તેમની પાસે શા માટે જાઓ છો ? આમ કરશો તો મારે ને તમારે નહિ બને.”
પરંતુ રામદાજીએ નિડરતાથી કહ્યું "કૃષ્ણદાસજી, સાંભળો. હું તો આપશ્રીની પાસે જતો હતો, જઉં છું અને જઈશ પણ ખરો. મને તેમની પાસે ગયા વિના ચેન નહિ પડે. તમને ન ગમે તો રજા આપો.”
શ્રીનાથજીની સેવાને લાયક કોઈ સારા માણસો મળતા ન હતા. આથી કૃષ્ણદાસ નિરૂપાયે રામદાસને કંઈ કહી શક્યા નહિ. છેવટે મંદિરની ચંદ્ર સરોવર પર પડતી બારી બંધ કરાવી દીધી. જેથી શ્રીનાથજી શ્રીગુસાંઈજીને દર્શન ન આપી શકે. કૃષ્ણદાસ તો શ્રીગુસાંઈજીને જેમ બને તેમ શ્રીનાથજીથી વધારે ને વધારે વિયોગ કરાવતા હતા.
શ્રીગુસાંઈજીને શ્રીનાથજીના હવે એક ક્ષણ પણ દર્શન થઈ શકતાં ન હતાં. તેથી આપશ્રીનું શરીર વધુને વધુ કૃશ બનતું ગયું. બધા વૈષ્ણવો દર્શને આવતા અને આપશ્રીનું સ્વરૂપ જોઈ વધુને વધુ દુઃખી થતા; પરંતુ શું કરે ? કૃષ્ણદાસને તો કહી શકાય તેમ હતું નહિ. બીજો કોઈ ઉપાય ન હતો. જ્યાં પ્રભુની જ ઈચ્છા તેમને વિપ્રયોગનો અનુભવ કરાવવાની હોય, ત્યાં કોઈનું શું ચાલે ?
આ રીતે દિવસો વ્યતિત થવા લાગ્યા.
આ વાતને છ મહિના પુરા થવામાં થોડા દિવસ બાકી હતા. એક દિવસ રાજા બિરબલ શ્રીનાથજીના દર્શનાર્થે ગિરિરાજ પર આવ્યો. શ્રીનાથજીનાં દર્શન કરવા ગયો ત્યારે રાજભાગનો સમય હતો. કુંભનદાસજી કીર્તન કરતાં હતાં. મૃદંગ, ઝાંઝ વગેરે વાદ્યો વાગતાં હતાં, અને શ્રીપુરૂષોત્તમજી આરતિ ઉતારતા હતા.
દર્શન કરી બેઠકમાં ગયા તો ત્યાં શ્રી ગિરધરજી ઉદાસીન ચહેરે બિરાજતા હતા. રાજા બિરબલે તેમને પૂછ્યું કે,“શ્રીગુસાંઈજી ક્યાં બિરાજે છે?” શ્રીગિરધરજીને ગળે ડુમો આવી ગયો. થોડીવાર પછી કહ્યું “કૃષ્ણદાસ અધિકારીએ સેવામાંથી તેમને દુર કર્યા છે. અને કહે છે કે, શ્રીનાથજીના હક્કદાર તો શ્રી પુરૂષોત્તમજી છે. તેથી તેઓ ચંદ્ર સરોવર પર બિરાજે છે !”
“શું કૃષ્ણદાસ અધિકારીએ તેમને મંદિરમાંથી દુર કર્યા છે ? હમણાં જ હું મથુરા જઈ સૈનિકોને મોકલી કૃષ્ણદાસને પકડી મંગાવું છું. તમે તે વખતે શ્રીગુસાંઈજીને સેવામાં જવાનું કહેજો.”તરત જ બિરબલ દંડવત પ્રણામ કરી મારતે ઘોડે મથુરા ગયો.
ત્યાં જઈ તુરત ફોઝદારને હુકમ કર્યો:“જાઓ, ગિરિરાજ ઉપર જઈ કૃષ્ણદાસ અધિકારીને પકડી, મારી પાસે લાવો.”ફોઝદાર વીસ સૈનિકોની ટુકડી લઈ ગિરિરાજ આવ્યો. કૃષ્ણદાસ અધિકારી ક્યાં છે, તે પુછી તેમની પાસે જઈ કહ્યું “ચાલો, રાજા બિરબલનો હુકમ છે, તેથી તમને મથુરા લઈ જવાના છે.”કૃષ્ણદાસને બંદીવાન બનાવી મથુરા લઈ ગયા.
આ વાતની ખબર શ્રીગિરધરજીને પડતાં તુરત શ્રીગુસાંઈજી પાસે જઈ કહ્યું “કાકાજી, રાજા બિરબલ આવ્યા હતા. તેમણે તમારી વાત પુછી, જેથી મેં જે બન્યું હતું તે કહ્યું. આથી કૃષ્ણદાસને પકડીને મથુરા લઈ ગયા છે અને આપને સેવામાં નાહવા વિનંતી કરી છે, માટે પધારો."
"શું શ્રીનાથજીના અધિકારી જેલમાં ? ગોવર્ધનમાં આમ બની શકે ખરૂં ? તેમને કેદ શી રીતે સંભવી શકે ? જાઓ, તેમને અત્યારેને અત્યારે છોડાવી લાવો નહિ તો હું જલપાન પણ નહિ લઉં !”
"અરે, હવે શું કરૂં ? અત્યારે જ ઘોડેસવાર થઈ મથુરા જઈ બીરબલને સમજાવી છોડાવી લાવું મને આવી વિપરીત બુદ્ધિ ક્યાંથી સુઝી ?"
તુરત જ શ્રીગિરધરજી મારતે ઘોડે ગોકુલ જવા ઊપડ્યા એક ક્ષણ યુગોના યુગો જેવી લાગતી હતી. મનમાં તો ક્યારે મથુરા જાઉં અને કૃષ્ણદાસને છોડાવી લાવું, તેનાજ વિચારો આવતા હતા.
છેવટે તેઓ મથુરા પહોચ્યાં બિરબલના મહેલે જઈ ખબર કરી કે, "શ્રીગિરધરજી પધાર્યા છે." બિરબલ ઝડપથી આપશ્રીને સામે લેવા આવ્યો. તરત જ બિરબલે આપશ્રીને આસન પર પધરાવી કહ્યું "આપશ્રીનું એકાએક કેમ આવવું થયું ? મારા લાયક કંઈ આજ્ઞા ?" શ્રીગિરધરજીએ કહ્યુઃ "કૃષ્ણદાસજીને તમે કેદ કર્યા છે, તે સાંભળી આપશ્રી શ્રી ગુસાંઈજીએ અન્નજલનો ત્યાગ કર્યા છે, તેથી મારે મારતે ઘોડે તેમને છોડાવવા આવવું પડ્યુ. અને કૃષ્ણદાસ આવે પછી જ જલપાન કરીશ તેવી આજ્ઞા કરી છે. માટે આપ શીઘ્ર તેમને છુટા કરી મોકલો."
બિરબલે બૂમ પાડી બહારથી સીપાઈને બોલાવ્યો.
"અરે રામસિંહ, જાઓ બંદીખાનેથી કૃષ્ણદાસને છુટા કરી મારી પાસે હાજર કરો."
થોડીવાર પછી કૃષ્ણદાસને લઈ રામસિંહ આવી પહોચ્યો.
બિરબલે કહ્યું – "જાઓ, કૃષ્ણદાસ, આ વખતે તો શ્રીગુસાંઈજીની આજ્ઞા હોવાથી તમને જવા દઉં છું; પણ હવે પછી આ પ્રમાણે તેમને પજવશો તો નહિ છોડું."
શ્રીગિરધરજી અને કૃષ્ણદાસ કસુંબા છઠ્ઠના દિવસે ચંદ્ર સરોવર પર આવ્યા.
ત્યાં જઈ શ્રીગિરધરજીએ શ્રીગુસાંજીને કહયું – "કાકાજી ! કૃષ્ણદાસ આવ્યા છે."
શ્રી વિઠ્ઠલેશે પ્રેમપૂર્વક કૃષ્ણદાસજીને આવકાર આપતાં કહ્યુઃ "આવો કૃષ્ણદાસજી, આનંદમાં છો ને ?"
કૃષ્ણદાસજી આપશ્રીના ચરણકમળમાં નમી પડ્યા અને પોતાના અશ્રુ વડે આપશ્રીના સુકોમળ ચરણને ભીંજવી નાખી ગદગદ કંઠે કહ્યું – “કૃપાનાથ ! ક્યાં પરમ દયાળુ આપ, અને ક્યાં આ નીચ જીવ ! આવો જીવ આપના સ્વરૂપને કેવી રીતે ઓળખે ?"
ત્યાર બાદ કૃષ્ણદાસે પશ્ચાતાપથી ગળગળા હદયે નીચેનું પદ ગાયું -
પરમ કૃપાળુ શ્રીવલ્લભનંદન,
કરત કૃપા નિજ હાથ દે માથે,
જે જન શરણ આય અનુસરહીં,
ગ્રહી સોંપત શ્રીગોવર્દ્ધન નાથ,
પરમ ઉદાર ચતુર ચિંતામણિ,
રાખત ભવધારા બહી જાત,
ભજ ‘કૃષ્ણદાસ’કાજ સબ સરહીં,
જો જાને શ્રી વિઠ્ઠલ નાથ,
"ક્યાં કૃપાસાગર આપ અને ક્યાં આ તુચ્છ જીવ ! તેમની સરખામણી જ કેમ સંભવી શકે ? તેથી મારા અપરાધની ક્ષમા કરો. મારા દુર્ગુણો તરફ જોશો નહિ. હવે આપ હમણાંજ સેવામાં પધારો.”
આ દિવસ તે કસુંબા છઠ્ઠ.
તરતજ આપ કૃષ્ણદાસ સાથે ગિરિરાજ ઉપર પધારી અપરસમાં સ્નાન કરી, શ્રીજીના મદનમનોહર સ્વરૂપનું, પ્રસન્ન શ્રીમુખકમળનું દર્શન કરી અપાર અવર્ણનીય-આનંદ રસનો અનુભવ કરતાં સેવામાં તત્પર થયા.
આજના ઉત્સવની બીજી એક ભાવના
સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિથી વર્ષાઋતુ અનુરાગાત્મક હોવાથી મનોરથમાં પ્રથમ છે. અનુરાગનો રંગ લાલ હોય છે એટલે જ પ્રભુ સાજ વસ્ત્ર લાલ રંગના અંગીકાર કરે છે. વર્ષાઋતુ પ્રગટ થઇ સર્વત્ર મોરના ટહુકાર, મેઘ ગર્જના, વીજળીના ચમકારા અને હલકી વર્ષાની ફુહાર થાય છે. તેની ભાવનામાં ભગવદીયો કહે છે કે વીજળીના ઝબકારમાં પ્રભુ ની ઝાંખી અત્યંત સુંદર અને અલૌકિક ને હર્ષ અને રોમાંચની થાય છે. મેઘ ગર્જનાથી પ્રભુ મિલનની આતુરતા વધે છે અને મોરના ટહુકાથી ભાવોદ્દીપન થાય છે. વર્ષાઋતુના આરંભે જેમ મેઘ ચઢી આવે છે અને વર્ષા કરશે તે આશાએ જગતમાં આનંદ ફેલાય છે, તેમ મેઘરુપી ઘનશ્યામ પ્રભુ પોતાનો આનંદ રસ વરસાવી વ્રજભક્તોના મનોરથો અનેક પ્રકારે પૂર્ણ કરે છે.
રાગ – મલ્હાર
લાલ માઈ બાંધે કસૂંભી પાઘ,
કસૂંભી છડી હાથ મેં લીએ ભીંજ રહે અનુરાગ ૧
કસૂંભોઈ કટી બન્યો હૈ પીછોરા કસૂંભી ઉપરેના,
કસૂંભી બાત કહત રાધા સોં, કસૂંભે બને દોઉં નયના ૨
હરિત ભૂમિ યમુના તટ ઠાડે ગાવત રાગ મલ્હાર,
શ્રીવિઠ્ઠલ ગિરિધરન છબીલો શ્યામ ઘટા અનુહાર ૩