27/08/2021
પર્યુષણ વ્યાખ્યાનમાળાનો બીજો દિવસ
ભગવાન મહાવીરનું ચિંતન હજારો વર્ષ બાદ વિજ્ઞાનના સંશોધનોના ત્રાજવે ખરું સાબિત થાય છે
સુરત તા. ૨૭: વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ પુરસ્કૃત બેટર લાઈફ ભદ્રેશ શાહ આયોજિત સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે ઓન-લાઈન ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨’નું આયોજન કરાયું છે. ગુરુવારે જયપુરના આધ્યાત્મિક ચિંતક ડૉ. કિરણ પ્રકાશ જૈને ‘આત્મોથાન - દસ સોપાન’ અને અમદાવાદના જૈન વિદ્વાન પદ્મશ્રી ડૉ. સુધીરભાઈ શાહે ‘જૈન ધર્મ અને વિજ્ઞાન’ વિષયક મનનીય વ્યાખ્યાન આપ્યાં હતાં.
જયપુરની શ્રી દિગંબર જૈન શર્મન સંસ્કૃતિ સંસ્થાનના ઉપાચાર્ય ડૉ. કિરણ પ્રકાશ જૈને જણાવ્યું કે જૈન ધર્મનું મુખ્ય કાર્ય આત્માના ઉત્થાનનું છે. ઉત્થાન એટલે ઉપર ઉઠવું, તે માટે સોપાન-પગથીયા ચડવા પડે. એવાં દસ સ્ટેપ્સ દ્વારા આત્માનું ઉત્થાન કેવી રીતે થઇ શકે તે તેમણે જણાવ્યું હતું. એવું કરતાં જે સુખ મળે છે તે ક્ષણિક નહીં પણ વાસ્તવિક, કાયમી સુખ હોય, જેને આપણે મોક્ષ કહીએ છીએ. તે માટે સૌથી પહેલી જરૂરત કષાય મુક્તિ છે. માણસ માત્ર કષાય યુક્ત હોય છે. જેમકે ક્રોધ પર કંટ્રોલ મેળવવો એ સૌથી પહેલી જરૂરિયાત છે. ઉત્તમ માનવ ધર્મ એટલે અહમ છોડવો. વિનમ્રતાથી સૌનું સન્માન કરવું જોઈએ કારણકે અભિમાન જ પતનને નોતરે છે. ત્રીજા પગથીયા રૂપે તેમણે સરળતાને વિસ્તારથી વર્ણવી હતી. જેઓ મન-વચન-કાયાથી એક સીધી લીટી જેવા રહી શકે છે તેઓ સરળતા પામી શકે છે અને લોભને પણ દોર કરી શકે છે. લોભ દૂર કરવો એટલે આત્માને પવિત્ર બનાવવો. આમ પહેલાં ચાર પગથીયા એ કષાયથી બચવાના છે. ત્યાર બાદ ઉત્તમ સત્ય ધર્મ સમજાવતા તેમણે કહ્યું કે સત્ય તો ધર્મ છે, તે કડવો ન હોય, પણ જેમનાથી સત્ય જીરવાતું નથી, તેને સત્ય કડવું લાગે છે. સંયમને પણ ઉત્તમ ધર્મ ગણાવીને ડૉ. કિરણ પ્રકાશ જી એ જણાવ્યું કે ગમે તેટલી મોંઘી કાર હોય પણ બ્રેક વિના નકામી છે, આ બ્રેક એટલે સંયમ. મન પર કાબૂ પામે છે, તે સંયમી હરપળ જીવનનો આનંદ પામે છે. મન તો સારથી છે મોક્ષ માર્ગનો. શરીરના માધ્યમથી આત્માને પુષ્ટ કરવો એ તપનો ઉત્તમ ધર્મ છે. માટી જયારે ધરતી પર હોય છે પણ તે જયારે તપે છે ત્યારે કળશ બને છે અને તે માથે મુકાય છે, તપનો આ મહિમા છે. વાસ્તવિક સુખ માટે આત્માને જ સુખી કરવું પડે, આત્મા અને તેના ગુણ-અવગુણ જ સાથે રહેતાં હોય છે, બાકીનું બધું સાથ છોડતું હોય છે, શરીર પણ. અને દસમા સોપાન રૂપે તેમણે બ્રહ્મચર્યને વર્ણવ્યું હતું. જયારે શરીરમાં કોઈ વિકાર રહેતો નથી ત્યારે તે સોળે કળાએ ખીલે છે. પર્યુષણનું મહાપર્વ આત્મોથાન માટેના માર્ગે જવા પ્રેરે છે. આવા પ્રવચનો સાંભળવાથી જ આત્માનું ઉત્થાન થતું નથી, એને અમલમાં મુકવાથી લાભ મળે છે એવું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદના વિખ્યાત ન્યુરોલોજિસ્ટ અને આધ્યાત્મિક ચિંતક પદ્મશ્રી ડૉ. સુધીર શાહે ‘જૈન ધર્મ અને વિજ્ઞાન’ વિષયક અદભુત પ્રસ્તુતિ કરી હતી. તેનો મુખ્ય સૂર એ હતો કે કેવલ જ્ઞાન પામનારા તીર્થંકરોએ હજારો વર્ષો પહેલાં જે જાણ્યું અને માણસ જાતને સમજાવ્યું તે આજના કાળમાં વૈજ્ઞાનિક સત્ય રૂપે બહાર આવે છે અને તેના સંશોધકને વિજ્ઞાનના નોબેલ પ્રાઈઝ મળે છે. અનેક દાખલા-દલીલો દ્વારા ડૉ. શાહે સાબિત કર્યું કે જૈન ધર્મ પૂર્ણ રૂપે વૈજ્ઞાનિક છે અને તેમાંની ઘણી ઉપયોગી વાતો સુધી તો હજુ વૈજ્ઞાનિક સંશોધકો પહોંચ્યાં નથી.
જૈન ધર્મ સાથે વિજ્ઞાન કેટલું વણાયેલું છે તે સમજાવતાં એમણે કહ્યું કે જેને માટે આજે આપણે ગર્વ કરીએ છીએ તે વિજ્ઞાન તો જૈન ફૂલસૂફીનો એક અંશ છે. કેવળ જ્ઞાન પામ્યાં બાદ ભગવાન મહાવીરે વિનમ્રતાથી તેનો ઉપયોગ દુનિયાના લોકોના ભલા માટે કર્યો. જેમાં વિશ્વ શાંતિ, પર્યાવરણનું સંતુલન અને જગતનું કલ્યાણ કરવાના માર્ગ સૂચવ્યાં છે. એમણે જે બોધ આપ્યો તે કાયમી અને શાશ્વત સત્ય રૂપે આવ્યું, જે સુપર સાયન્સ છે. આમ મહાવીર એ જગતે જોયેલા મહાનતમ વૈજ્ઞાનિક હતા. વળી, તેમના બોધ અને દ્રષ્ટિ તો રાગ, દ્વેષ અને મોહથી પર હતાં. તેમણે બોધેલા સંપૂર્ણ જ્ઞાનમાં જીવન જીવવાની રીત, મુક્તિનો પૂર્ણ માર્ગ, ઇકોલોજી, ક્લાસિક કાર્મિક થીયરી હતી. તેમણે જે અનેકાંતવાદ અને સ્યાદવાદ આપ્યાં તે પ્રિન્સીપલ ઓફ રીલેટિવિટી અને અધર વ્યુપોઈન્ટ છે, જે આધુનિક વિજ્ઞાનના ફીઝીક્સ, બાયોલોજી, સાયકોલોજી, ફિઝિયોલોજી, મેડીસીન, જીવન વિજ્ઞાન અને ખોરાક, મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી અને કેમેસ્ટ્રીની વાત પૂર્ણ રીતે કરે છે. જયારે માનવ ઇતિહાસમાં વિજ્ઞાન પાપા પગલી ભરતું હતું, દુરબીન કે સુક્ષ્મદર્શક સાધનો પણ નહોતાં ત્યારે તેમણે આ ચિંતન આપ્યું હતું, જે સેંકડો હજારો વર્ષ બાદ વિજ્ઞાનના સંશોધનોના ત્રાજવે ખરું સાબિત થાય છે.
‘પર્યુષણ વ્યાખ્યાન માળાની આ બીજી શ્રેણીમાં શનિવારે પંડિત મહેશભાઈ જૈન ‘કર્મસિદ્ધાંત’ અને ડૉ. બીપીનભાઈ દોશી ‘જૈન ધર્મની વિશેષતા’ વિષક વ્યાખ્યાન આપશે. આ કાર્યક્રમની પ્રાસંગિક વિધિઓ ભદ્રેશ શાહે અને સંચાલન નરેશ કાપડીઆએ કર્યું હતું.