'માં' અંબાનું આ મંદિર ગુજરાતનાં આણંદ જીલ્લામાં પેટલાદ તાલુકામાં પેટલાદ નગરમાં આવેલ છે. નગર મધ્યે 'માં' અંબા અહીં 'મહીસાસુરમર્દીની' સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. મંદિરમાં શિવ અને શક્તિ બન્નેવ બિરાજમાન છે જે મંદિરની વિશેષતા છે. આ મંદિરના શિવજી 'ઋણમુક્તેશ્વર મહાદેવ' તરીકે બિરાજેલા છે. માઈભકતોમાં 'મહીસાસુરમર્દીની'નું આ સ્થાનક નગરદેવી તરીકે ભાવયુક્ત થયેલ છે. હાલના પુજારીશ્રી તેમની ૭ ઉપરાંત પેઢીથી અહીં '
માં'ની સેવામાં સમર્પિત છે. મંદિર અંદાજે ૫૦૦ થી વધુ વર્ષ જૂનું પૌરાણીક હોવાનું મનાય છે. સુવર્ણથી જડેલું ગર્ભગૃહ અને સિંહાસન સ્થાનકમાં 'માં'ની આરસના પથ્થરે કંડારાયેલ દક્ષિણશૈલીની પૂર્વાભિમુખ મૂર્તિ બિરાજમાન છે. જેમાં 'માં'ના ડાબે હાથે મહીસાસુરનું વધ કરેલું માથું કંડારાયેલું છે. ગર્ભગૃહના મુખ્ય દ્વાર ચાંદીના પતરે મઢેલા છે જે માઈભકતોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. તદ્દ ઉપરાંત મંદિરના ગર્ભગૃહની ઉપર તેમજ દર્શનાર્થી સભામંડપના શિખરો સોનાથી જડીત છે. 'માં'ના રોજે રોજના વિશેષ અને વિભિન્ન સણગાર સાથે અઠવાડિયાના સાત અલગ-અલગ વાહનો વાઘ, ગાય, સિંહ, હાથી, ગરુડ, હંશ અને ઐરાવતની સવારી સાથે 'માં' માઈભક્તોને દર્શન આપે છે. બ્રહ્મમુહૂર્તમાં 'માં'ના થયેલ જળાભિષેકના જળનું અહીં ઘણું માહાત્મ્ય છે. દર્દીઓને દવાની સાથે આ જળની મદદથી સારવારમાં થયેલ ફાયદાના અનેક પરચાઓની લોકોને અનુભૂતિ થયેલ છે. પારણું બંધવાથી લઈ પથારીવસ દર્દીઓને 'માં'ની આસ્થાથી થયેલ લાભના અનેક પરચાઓ પ્રચલિત છે. મંદિરમાં 'માં'ને અર્પણ કરેલ વિશેષ પ્રસાદમાં સવાર સાંજ મિષ્ટાન, કેસર-મસાલા દૂધની સાથે ઔષધિય ગુણયુક્ત પાનનો પ્રસાદ ભક્તોમા અતિ લોકપ્રિય છે.વર્ષ દરમ્યાન ચૈત્ર તેમજ આષો નવરાત્રીમાં વિશેષ દર્શન, હવન અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે સ્થાનીય માઈભક્તોમાં શ્રદ્ધા સાથે આકર્ષણનું કેન્દ્ર બને છે. 'માં'ના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે નગર આખું 'માં'ના ઉત્સવમાં જોળાઈ ધન્યતાની અનુભૂતિ કરે છે.