30/09/2024
શ્રીગુસાંઇજીના તૃતીયલાલજી શ્રીબાલકુષ્ણલાલજી
આપ યશોગુણનું પ્રાકટય છે.
ભકિતમાર્ગનો આપને અત્યંત આગ્રહ છે. આપના વીર્ય—ગુણ છે.
શ્રીગુસાંઇજીના (કેશવપુરી) કાકાએ દક્ષિણથી આવીને દત્તકપુત્ર રૂપે આપને દેવા કહ્યું, આપ સંમત ન થયા.
ૠણનો શાપ સ્વીકાર્યો, પણ સેવા ન છોડી. ઋણના બહાને વિદેશ—પ્રવાસથી જીવોનો ઉદ્ધાર વિચાર્યો.
ભકિત—પ્રચાર માટે વંશ પ્રકટ કર્યો.
આપના નેત્રોની સુંદરતાથી શ્રીનાથજીએ તેવા અલંકાર (નેત્રો) પોતાને ધરાવવાની આજ્ઞા કરેલી.
યદ્દનુધ્યાનમાત્રેણ સ્વકીયં કુ્રરુતે જનમ્
દ્વારકેશો વિશાલાક્ષં બાલકૃષ્ણમહં ભજે
જેના અનુધ્યાન—માત્રથી શ્રીદ્વારકાધીશજી જનને સ્વજન કરે છે, (તે)વિશાલનેત્રવાળા
શ્રીબાલકૃષ્ણને હું ભજું છું.
શ્રી ગુસાંઇજીના ત્રીજા પુત્ર શ્રીબાલકૃષ્ણજીનું પ્રાગટય ઇ.સ. ૧૫૪૯, સં. ૧૬૦૬ ના ભાદરવા વદ તેરસ ને બુધવારે થયું હતું. તેમનું પ્રાગટય અડેલમાં થયું હતું. તેમનો વર્ણ મેઘશ્યામ, દેહ હૃષ્ટપુષ્ટ અને સોહામણો હતો. નેત્રો વિશાળ હોવાથી તેમને સૌ ઘરમાં રાજીવ—લોચન કહેતાં. તેમને તેમના છઠ્ઠા ભાઇ શ્રીયદુનાથજી સાથે ગાઢ પ્રેમભાવ હતો. પિતા પાસેથી તેઓ વેદ, વેદાંગ અને પુરાણો શીખ્યા હતા, ત્યાર બાદ તેમણે સાંપ્રદાયિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
ઇ.સ. ૧૫૬૬માં ૧૭ વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું હતું. તેમનાં વહુજીનું નામ શ્રીકમલાવતીજી હતું. તેમને એક બેટીજી શ્રીગોપવેદબેટીજી હતાં. છ પુત્રોમાં શ્રીદ્વારકેશજી, શ્રીવ્રજનાથજી, શ્રીવ્રજભૂષણજી, શ્રીપીતાંબરજી, શ્રીવ્રજાલંકારજી, અને શ્રીપુરુષોત્તમજી હતા.
શ્રીગુસાંઇજીએ તેમને શ્રીદ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. તેમણે શ્રીગોકુલમાં શ્રીયમુનાજીના કિનારે પોતાનું મંદિર બનાવી, ત્યાં બિરાજી શ્રીદ્વારલાધીશજીની સેવા ખૂબ ભાવપૂર્વક કરવા માંડી.
શ્રીબાલકૃષ્ણજીને સેવામાં અલૌકિક ભાવાવેશ આવતો. એક દિવસ નંદમહોત્સવમાં શ્રીબાલકૃષ્ણજી શ્રીયશોદાજી બનીને શ્રીનવનીતપ્રિયજીને પલને ઝુલાવી રહ્યા હતા, ત્યારે માતૃવાત્સલ્યભાવ ઊભરાઇ આવતાં, પોતાનાં શ્રીહસ્તમાં શ્રીનવનીતપ્રિયજીને પધરાવી, પોતાની છાતીસરસા ચાંપી દીધા. ત્યારે શ્રીગુસાંઇજીએ તેમને આશીર્વાદ આપ્યા કે “તમારા ઘરમાં સદા નંદમહોત્સવ થતો રહેશે”.
(Balkrishnaji, shrigopinathji, vallabh, vaishnava, dwarkadhishji, shreenathji, nathdwara, haveli, yamunaji, shrikrishna, swaminiji)