03/10/2026
♨️પોતાની ખામી!
રજૂઆત: મુહમ્મદ રફીક દાદુ (મોડાસા)
બીજાઓની ખામીઓ જોવી ખૂબ સરળ છે, પરંતુ પોતાની ખામીઓ ઓળખવા માટે દિલમાં ઈમાન અને આત્મચિંતનની નજર હોવી જરૂરી છે.
મારો મિત્ર મને બતાવી રહ્યો હતા કે પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆતમાં તે એક ઓફિસમાં નોકરી કરતો હતો. બપોરના ભોજન સમયે તે પોતાના સાથીઓ સાથે જમતો. તેમની સાથે એક ગરીબ ચપરાસી પણ બેસતો, જે પોતાના ઘરેથી માત્ર બે રોટલી લઈને આવતો અને સાથીઓના શાકમાંથી તે રોટલી ખાતો.
જમતી વખતે તેના મોઢામાંથી ચપ-ચપ અવાજ આવતો, જેના કારણે મોટાભાગના લોકો તેની સાથે બેસવાનું પસંદ કરતા નહોતા. તે વ્યક્તિ મોટાભાગે મારી સાથે જ બેસતો, કારણ કે મેં ક્યારેય મારા ચહેરા પર અણગમો દેખાવા દીધો નહોતો. જોકે દિલમાં મને પણ તેની સાથે બેસવું ગમતું નહોતું.
એક દિવસ જમતી વખતે મારા મનમાં વિચાર આવ્યો:
“મને તેના ખાવાના અવાજથી જેટલી નારાજગી થઈ રહી છે, તેનાથી કેટલીય વધારે નારાજગી અલ્લાહ તઆલાને મારી નાફરમાનીથી થતી હશે! છતાં અલ્લાહે મને રોજીની નેઅમતથી વંચિત કર્યો નથી અને નમાઝમાં પોતાની નજીક આવવાથી રોક્યો નથી.”
આ વિચાર પછી મારી નજર બીજાની ખામીમાંથી હટી અને પોતાની ખામીઓ તરફ વળી ગઈ.
કુરઆન આપણને ચેતવે છે:
" તો પોતાના મનની શુદ્ધતાના દાવા ન કરો, તે જ વધુ સારી રીતે જાણે છે કે હકીકતમાં અલ્લાહથી ડરવાવાળા અને સંયમી કોણ છે."
— સૂરહ અન-નજ્મ, 53:32»
બીજાની ખામી તરત દેખાઈ જાય છે, પરંતુ પોતાની ખામી જોવા માટે આત્મચિંતનની ખાસ નજર જોઈએ.
જે નજર માણસને પોતાની ખામી બતાવે છે, તે તેને સુધારાની તરફ લઈ જાય છે; અને જે માણસ હંમેશાં બીજાની ખામી જ શોધે છે, તે પોતાની ખામીઓથી અજાણ રહી શકે છે.
અલ્લાહ આપણને બીજાની ખામીઓ શોધવા કરતાં પહેલાં પોતાની ખામીઓ જોવાની અને સુધારવાની તૌફીક આપે.
આમીન.