05/07/2026
જલારામબાપાનું પરિભ્રમણ
-ડૉ. જીત જોબનપુત્રા
----------------------------------------------------------------
કેટલાક મિત્રો એવું માને છે કે વીરપુરના સંત શ્રી જલારામબાપા (૪-૧૨-૧૭૯૯ થી ૨૩-૦૨-૧૮૮૧) જગ્યા છોડીને બહુ ઓછા બહાર નીકળતા. જોકે, સાવ તેવું નથી. વીરપુરના સ્થાનિક મંદિરોમાં પણ બાપા નિયમિત દર્શને જતા. તેઓ વીરપરાનાથની સમાધિએ જતા તેમજ ગામમાં આવેલા માનકેશ્વર મહાદેવની પૂજા કરતા. બાપાએ સાવ યુવા વયે જ ચારધામની યાત્રા કરી હતી. જલારામબાપાની અનુપસ્થિતિમાં સદાવ્રતની સંભાળ તેમના સેવકો રાખતા અને બાપા ક્યાંય પણ ભજન કે ભંડારો હોય તો વિનમ્રભાવે અવશ્ય જતા. ક્યારેક ચાલીને જતા તો ક્યારેક સિગરામ જોડીને જતા. મારા દાદીમા કસ્તુરમા (સ્વ. ૦૫-૦૪-૧૯૭૯) કહેતા કે મેં ગામના જૂના માણસો પાસેથી એવી વાત સાંભળેલી કે જલારામબાપા સિગરામમાં બેસીને ગોંડલ તાલુકાના આંબરડી ગામના પાદરથી પસાર થયા ત્યારે ગામલોકો ઢોલ-નગારાં લઈને સ્વાગતમાં પહોંચી ગયા હતા. એ સમયે માણસોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
સ્વાભાવિક રીતે જ બાપા વીરપુરની આસપાસનાં અને રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ જિલ્લાનાં ગામોમાં જ વધુ ગયા હોય. તેનાં કેટલાંક પ્રમાણો બાપાએ આપેલી પ્રસાદીની વસ્તુઓ પરથી મળે છે :
૧. ભેસાણમાં જીવીમાની જગ્યા આવેલી છે ત્યાં જલારામબાપાએ રાધાકૃષ્ણની નાની મૂર્તિ પધરાવેલી જે પૂજારી કુટુંબે હજુ જાળવી રાખી છે.
૨. બીલખામાં શેઠ દુર્લભજી રામજીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તેમાં જલારામબાપાએ જે કાથરોટમાંથી લાડુ જમાડ્યા હતા તે કાથરોટ હજુ તેના વંશજોએ જાળવી રાખી છે. આ કાથરોટનાં દર્શન હજુ પણ થઈ શકે છે.
૩. વડિયા પાસે ખજૂરી-પીપળિયાના પટેલ શ્રી રામજી ભગત હિદળને જલારામબાપાએ લાકડી આપેલી જે હજુ તેમના વંશજોએ જાળવી રાખી છે.
૪. બૌદ્ધ ગુફાઓથી જાણીતા ખંભાલિડા ગામ પાસે આવેલા વાડાસડાના શ્રી નારણ ભગત ચૌહાણને જલારામબાપાએ બેરખો આપેલો. તે બેરખાના કેટલાક પારા નીકળી ગયા છે પણ હજુ તેના વંશજોએ જાળવી રાખ્યો છે.
૫. રાપર-કચ્છની ખીમસાહેબની જગ્યામાં જલારામબાપાનો હસ્તલિખિત પત્ર હજુ સાચવી રાખવામાં આવ્યો છે.
જલારામબાપા અનેક ગામોમાં કોઈને કોઈ નિમિત્તે પધારી ગયેલ. ચરખડીમાંતો ગોંડલના તત્કાલીન રાજવીએ બાપાને સદાવ્રત ચાલુ કરવાનું કહ્યું હતું. વાડાસડામાં તેમનાં ભત્રીજી અંબાબહેન સાસરે હતાં. આટકોટ તો જલારામ બાપાના સાસરા પ્રાગજીભાઈ સોમૈયાનું ગામ હતું. એટલે કે વીરબાઈમાની જન્મભૂમિ. બાપાની દીકરી જમનાબહેન કોટડાપીઠા સાસરે હતા. ગોમટામાં બાપાએ ખેત-મજૂરી કરી હતી. વર્તમાનમાં ત્યાં જે સરકારી કૂવો છે તે કૂવો બાંધવામાં પણ બાપાએ મજૂરી કરી હતી. સં. ૧૯૩૪માં બાપાએ મજૂરીના પૈસાથી ગોમટામાં સદાવ્રત ચાલુ કર્યું હતું. દેવકી-ગાલોળ બાપાના ગુરુ મહારાજ ભોજાભગત (ઈ.સ. ૧૭૮૫ થી ૧૮૫૦)નું જન્મસ્થાન છે. બાપા ત્યાં વારંવાર પધારતા રહેતા. ગામમાં આવેલી કરમણ ભગત અને રામભગતની જગ્યામાં બાપા ભજન કરવા જતા. ભોજા ભગત દેવકી-ગાલોળ છોડીને ફતેપુર ચાલ્યા ગયા હતા, ત્યારે ભોજા ભગત અને જલારામ બાપાએ સાથે મળીને ગાર-માટીના ઓરડા ચણ્યા હતા. થાણા-ગાલોળમાં લાકડીનો સ્પર્શ કરાવીને ખેડૂત શ્રી જીવરાજ વડાલિયાની કોઠીમાં જાર ભરી દીધી હતી. સં. ૧૯૧૭માં બાપા હાલારમાં જોડિયા ગયા હતા ત્યાં તેમણે પૂર-પ્રકોપને કારણે નદીનું વહેણ ફેરવ્યું હતું. બાપા વવાણિયા પાસે આવેલા ઝીંઝુડામાં ગિરનારના અવધૂત લકક્ડભારથીના શિષ્ય કાનડગિરિના ભંડારામાં ગયા હતા. અમરેલી જતા ત્યારે લોહાણા શેઠ જુઠ્ઠા અદાને ત્યાં ઊતરતા. રાજકોટમાં રાણીમા રૂડીમાની જગ્યામાં ઉતારો રાખતા. વીરપુર પાસે ઉમરાળી જતા ત્યારે ધર્મનાં માનેલાં બહેન ગલાલબહેન ભરવાડને ત્યાં ઊતરતા. માધવપુર પાસે આવેલા કડછ-ઘેડમાં તેઓ કેશવજી ઠક્કરને ત્યાં રોકાતા. સતાધારમાં તેઓ આપા ગીગાના ભંડારામાં ગયા હતા. લાડુ ઘટ્યા ત્યારે કરમણ ભગત તેમને ભંડારમાં લઈ ગયા હતા. એ પછી લાડુ ખૂટ્યા ન્હોતા. બાપા પગપાળા કાપડની ફેરી કરતા ત્યારે વારા ડુંગરામાં તેમને ગિરનારી અઘોરીના આશીર્વાદ મળેલા. ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે આવેલાં લૂલી ખોડિયારના મંદિરે તેઓ વિસામો લેવા બેસતા. અરણિયાળામાં ગુરુભાઈ રૂડાભગત પ્રજાપતિને ત્યાં ભજન કરવા જતા. કેશોદના રામમંદિરવાળા ગુરુભાઈ અબોટી બ્રાહ્મણ શ્રી ગોવિંદ ભગતે બાપાની પ્રેરણાથી સદાવ્રત ચાલુ કર્યું હતું, જે તેમના પુત્ર મીઠારામે પણ ચાલુ રાખ્યું હતું. ગારિયાધારમાં ગુરુભાઈ વાલમરામબાપાની જગ્યામાં પણ બાપા વારંવાર જતા. જશદણમાં તેઓ કમરમા લોહાણાને ત્યાં નિવાસ કરતા. એકવાર બાપા ચલાલા મૂળીમાનાં દર્શન કરવા ગયા પણ જગ્યામાં માતાજી ઉપસ્થિત હતાં નહીં તેથી તેઓ બાજુના ઝર ગામે ગયા હતા અને ત્યાં ભજન કર્યું હતું. ખંભાળિયામાં મોરારસાહેબની જગ્યામાં ઊતરતા. વાંકાનેર પાસેના મેસરિયામાં તેઓ જાલાભગતની જગ્યામાં ઉતારો રાખતા. એકવાર બાપાએ કહ્યું હતું કે પૂર્વજન્મમાં તેઓ જાલાભગત ભરવાડ હતા !
આ સિવાય બાપા સાતુદડ, ખોખરી અને મોલણીની સાણથલી, જશદણ પાસેનું નવાગામ, કુંકાવાવ, ગોંડલ ઇત્યાદિ ગામોમાં ભજન અર્થે જતા.