15/07/2024
-: સૈયદ હાજીહાશિમશાહ (ર.અ.)એ એક જ સમયે બે ગામોમાં નમાજ પઢાવી:-
શુક્રવારનો દિવસ હતો. અબડાસાના ગોલાય અને હોથિયાય ગામનાં લોકો જુમ્મા નમાજની તૈયારી કરી રહ્યા હતા. બન્ને ગામોની અંદર તે દિવસે એક કરામત પ્રગટ થઈ. થયું એવું કે તે દિવસે બાવા હાજીહાશિમશાહ (ર.અ.) બન્ને ગામોમાં હાજર હતા.
બન્ને ગામના લોકોએ જ્યારે બાવાને જોયા તો તેઓને જુમ્મા નમાજ પઢાવવાની વિનંતી કરી. બાવાએ બન્ને જગ્યાએ હામી ભરી.
હવે બન્ને ગામોની અંદર જુમ્મા નમાજ શરૂ થઈ. બાવા ખુત્બો પઢયા. જમાત ઊભી થઈ. બાવાએ નમાજ પઢાવી. બન્ને જગ્યાએ સૂરએ યાસીન પઢી. ઠીક અઢી વાગ્યા ત્યારે બન્ને ગામોમાં નમાજ પૂરી થઈ.
બીજા દિવસે જ્યારે બન્ને ગામનાં લોકોની કયાંક મુલાકાત થઈ હશે ત્યાં વાત વાતમાં જુમ્મા નમાજની વાત નીકળી ત્યાં તો વિવાદ ઊભો થઈ ગયો. ગોલાય ગામના લોકો કહે કે બાવાએ અમારે ત્યાં નમાજ પઢાવી છે તો હોથીયાયના લોકો કહે કે અમારે ત્યાં પઢાવી છે.
એક કહે કે અમારે ત્યાં સૂરએ યાસીન પઢી છે તો બીજા કહે કે અમારે ત્યાં પણ એ જ સુરત પઢી છે. બન્ને જગ્યાએ અઢી વાગે નમાજ પૂરી થઈ એ વાત પણ બન્ને ગામનાં લોકોએ કબૂલી.
હવે કોઈનાં સમજમાં જ નહોતું આવતું કે આવું કેવી રીતે બની શકે ? અજબ વાત હતી કે એક વ્યક્તિ એક સાથે બે બે ગામોની અંદર નમાજ પઢાવી આવે !
આખર લોકો હોથિયાય ગામના હાજી ઉમર જત પાસે ગયા. તેઓ નેક તબિયત અને દીનની સારી સમજ ધરાવતા હતા. પૂરી હકીકત જ્યારે તેમને સંભળાવવામાં આવી ત્યારે તેઓએ લોકોને સમજાવતા કહ્યું કે ખુદા પોતાના નેક અવલિયાને એવી શક્તિઓ આપે છે કે તેઓ એક જ સમયે અલગ અલગ જગ્યાએ પહોંચી શકતા હોય છે. બાવા હાજીહાશિમશાહ (ર.અ.) પણ એવા જ કામિલ અવલિયા માંથી છે. આ આપની એક કરામત હતી.
આ વાતના સાક્ષી અને તે દિવસે બાવા પાછળ હોથીયાય ગામમાં નમાજ પઢનાર મુહમ્મદ મૂસા જત આજે પણ હયાત છે. અમે આ વાત તેમનાથી રૂબરૂમાં સાંભળેલ છે.