13/06/2026
દેવાલયમાં દર્શન કેવી રીતે લેવા
૧. દેવાલયમાં પ્રવેશ કરતા પહેલાં, શક્ય હોય તો પગ ધોવા.
૨. દેવાલયના પરિસરમાંથી (આંગણામાંથી) કળશને નમસ્કાર કરવો.
૩. દેવાલયના પગથિયાં ચડતી વખતે જમણો હાથ લગાવીને પગથિયાંને નમસ્કાર કરવો.
૪. ‘દેવતાને જાગૃત કરી રહ્યા છીએ’, એ ભાવનાથી ઘંટ ખૂબ ધીમેથી વગાડવો.
૫. દેવતાના દર્શન કરવા માટે દેવતાની મૂર્તિ અને તેની સામે રહેલી કાચબાની પ્રતિકૃતિની વચ્ચે, તેમજ શિવાલયમાં (મહાદેવના મંદિરમાં) પીંડી (શિવલિંગ) અને તેની સામે રહેલી નંદીની પ્રતિકૃતિની વચ્ચે ઊભા ન રહેતા અથવા ન બેસતા, કાચબો અથવા નંદીની પ્રતિકૃતિ અને દેવતાની મૂર્તિ અથવા પીંડીને જોડતી રેખાની બાજુમાં ઊભા રહેવું. શિવાલયમાં પીંડીના દર્શન કરતાં પહેલાં નંદીના બંને શિંગડાને હાથ લગાવીને નંદીના દર્શન કરવા. આને ‘શૃંગદર્શન’ કહે છે.
૬. દેવતાના ચરણો પર દૃષ્ટિ રાખીને લીન થવું. દેવતાની છાતી પર મન એકાગ્ર કરવું. છેવટે દેવતાની આંખો તરફ જોઈને તેનું રૂપ આંખોમાં સંગ્રહી લેવું.
૭. દેવતાને અર્પણ કરવાની વસ્તુ (ઉદા. ફૂલો) દેવતાના શરીર પર ન ફેંકતા તેના ચરણો પર અર્પણ કરવી.
૮. મૂર્તિ દૂર હોય, તો તે વસ્તુ દેવતાની સામેની થાળીમાં મૂકવી.
૯. ‘દેવતાના ચરણોમાં લીન થઈ રહ્યા છીએ’, એ ભાવનાથી નમસ્કાર કરવો.
૧૦. બંને હાથ જોડીને ભાવપૂર્ણ નામજપ કરતાં મધ્યમ ગતિએ પ્રદક્ષિણા કરવી. સામાન્ય રીતે દેવોને બેકી સંખ્યામાં (સમ સંખ્યા) અને દેવીઓને એકી સંખ્યામાં (વિષમ સંખ્યા) પ્રદક્ષિણા કરવી.
૧૧. દેવાલયમાં બેસીને થોડો સમય નામજપ કરવો. પ્રસાદ શક્ય હોય તો દેવાલયમાં બેસીને જ ગ્રહણ કરવો.
૧૨. નીકળતા પહેલાં દેવતાને નમસ્કાર કરીને ‘તારી કૃપા દૃષ્ટિ મારા પર સદાય રહે’, એવી પ્રાર્થના કરવી.
૧૩. દેવાલયમાંથી બહાર નીકળતી સમયે દેવતા ભણી આપણી પીઠ એકદમ ન થઈ જાય, એ વાતનું ધ્યાન રાખવું.
૧૪. દેવાલયમાંથી બહાર નીકળ્યા પછી પરિસરમાંથી ફરી એકવાર કળશને નમસ્કાર કરવો અને પછી પ્રસ્થાન કરવું.