18/01/2024
॥ શ્રી હરી ॥
અવધપુરીમાં ભગવાન શ્રી રામચંદ્રજી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં બાબરા શ્રી બાલકૃષ્ણલાલજી ની હવેલીમાં વિવિધ મનોરથ.
——————————————————
“ધર્મો રક્ષતિ રક્ષિત:”
આપણે સહુ ભાગ્યશાળી છીએ કે આપણા જીવનકાળ દરમ્યાન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ કે તા. ૨૨/૧/૨૦૨૪ના શુભ દિવસે રઘુકુલ ભૂષણ સૂર્યવંશી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી સ્વગૃહે બિરાજમાન થઈ રહ્યા છે.સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણચંદ્રજી, શ્રી મહાદેવજી, શ્રી શક્તિ એ આપણા હિન્દુ ધર્મના હ્રદયસમ્રાટ છે. સનાતન હિન્દુ ધર્મ પરંપરા આપણી મૂળભૂત સંસ્કૃતિ છે, તેમના વગર આપણું અસ્તિત્વ શક્ય જ નથી. ભગવાન શ્રી રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમ સ્વરુપે ધર્મ રક્ષા, પ્રજા વાત્સલ્ય અને સમાજ જીવનના ઉચ્ચતમ મૂલ્યોથી દ્વાપર યુગમાં સતયુગ અને શક્તિયુગને પ્રસ્થાપિત કરેલ. શુદ્ધાદ્વૈત પુષ્ટિભક્તી માર્ગના પ્રવર્તક આચાર્યચરણ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજી જ્યારે મલયાગીર પર્વત ઉપર પધારેલ ત્યારે આપશ્રીએ શ્રી રામચંદ્રજીને "મર્યાદાપુરુષોત્તમાય નમ:" થી વધાવેલ અને વર્ણવેલ છે. પુષ્ટિભક્તિ માર્ગ અંતર્ગત શ્રી રામચંદ્રજી ના પ્રાગટ્યોત્સવ તેમજ અન્ય ઉત્સવો હમેંશા ઉજવાય છે અને રામનવમી નુ વ્રત પણ કરવામા આવે છે. એવા આપણા પરમ કૃપાળુ કરુણાસાગર ભગવાન શ્રી રામચંદ્રજીને સ્વગૃહે બિરાજમાન કરવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા સનાતન ધમઁપ્રેમી ભક્તો, સાધુ સંતો, કાર્યકરો, પદાધિકારીઓ, સંગઠનો, સંસ્થાઓ વગેરેના અથાગ પરિશ્રમને ચરિતાર્થ કરવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, શ્રી યોગીજી, શ્રી અમિત શાહજી, શ્રી બાજપાઈજી, શ્રી સિંઘલજી, શ્રી અડવાણીજી વગેરે મહાનુભાવો સાધુવાદ, ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે.આ બધા લોકોને પ્રભુએ તેમની ઉપર કૃપા વિચારીને પ્રભુસેવાનાં ઉત્તમ અધિકારી ગણ્યા તે બધા મહદ ભાગ્યશાળીઓ છે. તે બધા લોકોને સનાતન ધર્મની સુરક્ષા માટે લાખ લાખ સાધુવાદ છે. પ.પુ.ગો.૧૦૮ શ્રી ત્રિલોકિભૂષણલાલ મહારાજશ્રી સનાતન હિન્દુ ધર્મના આ અલૌકીક ઉત્સવથી અતિ પ્રસન્નતા અને આનંદનો અનુભવ કરે છે.આપશ્રી ની આજ્ઞાથી શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી બાબરામાં આ શુભ દિવસે દિવ્ય મનોરથો પ્રભુને વિનિયોગ થશે. રાજભોગમા પ્રભુને તિલક, શહેરમાં પ્રભુની વર્ણાગી (શોભાયાત્રા) તેમજ શયન મા વિશેષ મનોરથ થશે. પૂ. મહારાજશ્રી દરેક વૈષ્ણવો અને ભકતજનોથી આ ઉત્સવ ખૂબ દિવ્યતાથી ઉજવવા અને સનાતન હિન્દુ ધર્મની શાખ વધારવા સહૃદય અપેક્ષા રાખે છે.