Gurukrupa hi kevlam

Gurukrupa hi kevlam Dhirendra Bhatt

જેના ભાગ્યમાં સદગુરુનો પ્રેમ મળ્યો છે. એ અતિશય ભાગ્યશાળી છે.સદગુરુ અને ઇશ્વરમાં કોઈ ભેદ નથી.સદગુરુ કરુણા અવતાર છે.સદગુરુ...
02/09/2026

જેના ભાગ્યમાં સદગુરુનો પ્રેમ મળ્યો છે. એ અતિશય ભાગ્યશાળી છે.સદગુરુ અને ઇશ્વરમાં કોઈ ભેદ નથી.સદગુરુ કરુણા અવતાર છે.સદગુરુ મળ્યા પછી એમની પાસે શું માગવું કે ન માગવું એ સાધકની સ્થિતિ પર આધાર રાખે છે.બાળકની પાસે સુંદર રમકડું મૂકો અને બીજી બાજુ સોનાનો 10 ગ્રામનો સિક્કો મૂકો તો એ રમકડા તરફ દોડશે.એમ સાધકની ભીતરની સ્થિતિ પર એ સદગુરુ પાસે માગે છે.
આજે સદગુરુ પાસે સંસાર માગનારા 99% લોકો આવે છે. પણ જેમણે પોતે સંસાર છોડીને ઈશ્વર તરફી યાત્રા કરી અને ઈશ્વર સાથે એકરૂપ બન્યા છે.એમની યાત્રા જોઈને પણ સાધક સમજતો નથી કે આપણે એમના જીવનના સારરૂપ સંસારને માગવાનો નથી.
સદગુરુ પાસે જે જેટલું અને જેવું માગે છે એટલું એને આપે છે.કારણ સદગુરુ કલ્પતરુ છે.પણ જે સાધક સદગુરુ પાસે કંઈપણ માગતો નથી."યથા યોગ્યમ્ તથા કુરુ"એવું કહે છે.મારા માટે યોગ્ય હોય એ કરો.ત્યારે સદગુરુ પોતાનું સ્વરૂપ એ સાધકને આપે છે.એ ઈશ્વર તત્વની ઓળખાણ અને પછી એ ઈશ્વર તત્વમાં એને એકરૂપ કરી દઈને એના આવાગમન ના ચક્કરને મિટાવી દઈ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. પોતાનું સર્વસ્વ એને આપી દે છે.
રાજા એક ભિખારી પાસે આવીને કહે છે કે "ભાઈ કેમ ચિંતિત છે ? " માગ હું રાજા છું,તારે શું જોઈએ છે? ત્યારે ભિખારી કહે છે. "રાજાજી મારું ભિક્ષા પાત્ર ખોવાઈ ગયું છે.એ મને નવું લઈ આપો." આવી સ્થિતિ આપણી છે. ઈશ્વર સ્વરૂપ સદગુરુ મળ્યા પછી પણ આપણે એમની પાસે જે અનંત જન્મોથી ભોગવતા આવ્યા છીએ, છતાં કોઈ તૃપ્તિ નથી થઈ એવા સંસારને જ માગીએ છીએ.
મારા સદગુરુ પરમ પૂજ્ય શ્રી આનંદીમા વારે વારે કહે છે કે દીક્ષા પછી તમારી સ્થિતિ એક સામાન્ય કારકુનથી એક કંપનીના CEO જેવી બની જાય છે. ખીસામાં કરોડો રૂપિયાનો ચેક હોવા છતાં સાધક અહીં તહીં ભીખ માગતો ફરે છે.ત્યારે સદગુરુ લાચાર હોય છે. દીક્ષા પછી તો "करीष्ये वचनं तव ।" ગુરુ કહે એટલું કરવાનું હોય છે. સંપૂર્ણ શરણાગતિ..પણ આજે ગુરુ કરે છે બધા પણ ગુરુ કહે એ કોઈ કરતું નથી.." "આજ આને પૂછું..કાલ તેને પૂછું. જેમ કૂતરા હોય હડકાયા ." એવી સ્થિતિ હોય છે. વૃંદાવનના કોઈ સંતને મોબાઈલમાં સાંભળે તો "રાધા..રાધા" ચાલુ કરે..પછી હનુમાન અંશ પિક્ચર જોઈને આવે તો "સીતારામ.. સીતારામ" ચાલુ કરે. એમાં કોઈ બીજા સંતને સાંભળે તો "શિવાય નમઃસ્તુભ્યમ" ચાલુ કરે..પણ જે સદગુરુએ એમનો પ્રાણ નીચોવીને મંત્ર આપ્યો છે એને જીવન મંત્ર નહીં બનાવે.કારણ આવડી મોટી વસ્તુ સહજ અને મફતમાં મળી છે.આ માટે ગંગા સતી મંત્ર સમાન ભજનમાં કહે છે.
"ગુરુમુખી હોય તેને સંશય ન હોય,
નિરંતર ભજે શ્રી ભગવાન રે;
તન-મન-ધન જેણે ગુરુ ચરણે સોંપ્યાં,
રાખે સદાય અમી-રસ ધ્યાન રે...
મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહીં.ભલે ભાગી પડે બ્રહ્માંડ રે.."
આ વિષયમાં લખવાનો અંત જ નથી.. અનંત શબ્દોમાં લખીએ તો પણ ખૂટે..અને જો ગુરુના શબ્દો પ્રમાણે જીવીએ, સાધના કરીએ તો એકપણ શબ્દની જરૂર નથી. એટલે ધ્યાનયોગીજી કહેતા " આવો, બેસો અને અનુભવો.."
અસ્તુ..
સૌને સાદર સપ્રેમ પ્રણામ સહ
ધીરેન્દ્ર ભટ્ટના
સીતારામ જય ગુરુદેવ 🙏

      જીવનમાં સારા-ખોટા, વત્તા-ઓછા કામ થયા જ કરે.એની ટીકા-નિંદા પણ થયા કરે.કોઈક એવી સારી ટીકા-નિંદા થઈ જાય કે માણસના જીવ...
02/09/2026


જીવનમાં સારા-ખોટા, વત્તા-ઓછા કામ થયા જ કરે.
એની ટીકા-નિંદા પણ થયા કરે.
કોઈક એવી સારી ટીકા-નિંદા થઈ જાય કે માણસના જીવનમાં આખું પરિવર્તન આવી જાય, સુધરી જાય.
કોઈક એવી નિંદા થઈ જાય કે માણસ જીવનથી ભાંગી પડે અને મનથી હારી જાય.
પણ એ ટીકાઓમાં જે સ્વસ્થ રહીને આગળ વધે છે, તે સફળતા શિખરે પહોંચે છે.
જય મહારાજ 🙏
પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજશ્રીના આજના પ્રાતઃ સત્સંગનું અમૃત (2 સપ્ટેમ્બર 2026)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹 પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજનો આજનો સંદેશ માનવ જીવનના એક અત્યંત ગહન સત્ય અને માનસિક સંતુલનને ઉજાગર કરે છે. આપણા સનાતન શાસ્ત્રો, ભગવદ્ ગીતા અને સંતવાણીમાં ટીકા, નિંદા અને સ્તુતિને જીવન ઘડતરના સાધન તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
🌹સમત્વ યોગ અને ગીતાનો દ્રષ્ટિકોણ
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો વર્ણવતાં કહે છે:
તુલ્યનિંદાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્ |
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ || (ગીતા ૧૨.૧૯)
🎈જે વ્યક્તિ સ્તુતિ (પ્રશંસા) અને નિંદા (ટીકા) બંનેમાં સમાન રહે છે, મનને શાંત રાખે છે અને ચિત્તને ડગવા દેતી નથી, તે પરમાત્માને પરમ પ્રિય છે. જીવનમાં સારા-ખોટા કર્મો થવા એ પ્રકૃતિનો નિયમ છે, પરંતુ તે કર્મો પર આવતી જગતની પ્રતિક્રિયાઓથી વિચલિત ન થવું એ સાચો ધર્મ છે.
🎈પરિવર્તનકારી ટીકા:
તુલસીદાસજીનું દ્રષ્ટાંત
શાસ્ત્રો અને ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક થયેલી કડવી ટીકા કે વાગ્બાણ વ્યક્તિના અંતઃકરણને જગાડી દે છે.
🎈મહાકવિ તુલસીદાસજીને તેમની પત્ની રત્નાવલીએ એક કડવો મેણો માર્યો હતો: "હાડ-ચામના દેહથી જેટલો પ્રેમ છે, તેટલો જો શ્રીરામથી કર્યો હોત તો ભવપાર થઈ જાત." આ ટીકા તુલસીદાસજીના જીવનમાં વૈરાગ્યનું કારણ બની અને તેઓ રામચરિતમાનસના રચયિતા મહાત્મા બન્યા.
🎈સંત કબીરે પણ કહ્યું છે:
"નિંદક નિયરે રાખિયે, આંગન કુટી છવાય ।બિન પાની, સાબુન બિના, નિર્મલ કરે સુભાય ।।
🎈" અર્થાત્ રચનાત્મક ટીકા મનના દોષો ધોઈને આત્મસુધારણાનો માર્ગ ખોલે છે.
🎈માનસિક પતનથી બચાવ:
વિવેક અને ધીરજ
શાસ્ત્રો અનુસાર જે મન અવિવેકી અને મોહગ્રસ્ત હોય છે, તે લોકનીંદાથી ભાંગી પડે છે. મહાભારતમાં કર્ણ કે દુર્યોધન જેવા પાત્રો લોકલાજ અને ટીકાના અહંકારમાં તણાઈને વિનાશ તરફ વળ્યા. નબળું મન નિંદાને વિષ સમજીને પી જાય છે અને હતાશામાં ડૂબી જાય છે, જ્યારે પ્રબળ મન તેને પચાવીને પોતાના દોષ દૂર કરવાનો પ્રયાસ કરે છે.
🎈સફળતાનું શિખર: તિતિક્ષા અને ધૈર્ય
વેદાંતમાં છ સંપત્તિઓ (ષટ્-સંપત્તિ) વર્ણવી છે, જેમાં મુખ્ય છે તિતિક્ષા—અર્થાત્ પ્રતિકૂળતા, નિંદા અને કષ્ટોને કોઈપણ ક્રોધ કે ફરિયાદ વિના સહન કરવાં.
🎈જે મનુષ્ય જગતના અભિપ્રાયોથી ઉપર ઊઠીને પોતાના સત્કર્મમાં સ્થિર રહે છે, તેને જ શાસ્ત્રોમાં 'ધીર' પુરુષ કહ્યો છે:
ટીકાથી ડરીને કાર્ય છોડવું એ તામસિક વૃત્તિ છે.
🎈ટીકાનો બદલો લેવા ક્રોધ કરવો એ રાજસિક વૃત્તિ છે.
ટીકામાંથી સાર ગ્રહણ કરી શાંતિપૂર્વક આગળ વધવું એ સાત્વિક વૃત્તિ છે.
લોકોનું કામ કહેવાનું છે, 1972 ની પ્રસિદ્ધ ફિલ્મ અમર પ્રેમ ગીતનું આ ગીત
🌹कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना ,छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना।।
— आनंद बक्शी
આ બાબતે ખૂબ સાચી વાત કહે છે.
🎈સાધક કે કર્મયોગીનું લક્ષ્ય માત્ર પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન કરવાનું છે. જે વ્યક્તિ નિંદાના કાંટાઓને સહન કરીને પણ પોતાના પથ પર અડગ રહે છે, તે જ આધ્યાત્મિક અને લૌકિક બંને ક્ષેત્રે સફળતાના શિખરે બિરાજે છે.
સૌને સાદર સપ્રેમ પ્રણામ સહ
ધીરેન્દ્ર ભટ્ટના જય મહારાજ 🙏
2 સપ્ટેમ્બર 2026.

માનવીય સંબંધો અને મનની શાંતિ વિશે આ એક અત્યંત ઊંડો અને વ્યવહારુ વિચાર છે. ભૂતકાળ એ વીતી ગયેલો સમય છે, જે બદલી શકાતો નથી;...
31/08/2026

માનવીય સંબંધો અને મનની શાંતિ વિશે આ એક અત્યંત ઊંડો અને વ્યવહારુ વિચાર છે. ભૂતકાળ એ વીતી ગયેલો સમય છે, જે બદલી શકાતો નથી; પરંતુ તેની કડવાશને પકડી રાખીને આપણે વર્તમાન અને ભવિષ્ય બંનેને બગાડી નાખીએ છીએ.
જ્યારે કોઈ સંબંધમાં મતભેદ કે કડવાશ આવે, ત્યારે જૂની વાતો અને ભૂલોને વારંવાર યાદ કરવી એ સંબંધના ઘા પર મીઠું છાંટવા જેવું છે. જૂની ગાંઠો વાગોળવાથી મનમાં પૂર્વગ્રહ (Biases) બંધાઈ જાય છે. સામેની વ્યક્તિ ભલે બદલાવા માંગતી હોય કે સુધરવાનો પ્રયત્ન કરતી હોય, પણ આપણી નજર માત્ર તેની જૂની ભૂલો પર જ ટકેલી રહે છે. પરિણામે, સંબંધ ફરી જીવંત થવાની જે થોડી ઘણી શક્યતા હોય છે, તેના પર આપણે પોતે જ કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દઈએ છીએ.
વહેતું પાણી હંમેશાં શુદ્ધ, તાજું અને પીવાલાયક રહે છે, કારણ કે તે આગળ વધે છે. તેની સામે, જે પાણી એક જ જગ્યાએ ભરાઈ રહે તે ખાબોચિયું બની જાય છે—તેમાં શેવાળ બાઝે છે અને દુર્ગંધ આવવા લાગે છે. આપણું મન પણ આવું જ છે. જો મનમાં જૂની ફરિયાદો, ઈર્ષ્યા કે કટુતા ભરી રાખવામાં આવે, તો માનસિક ઊર્જા કુંઠિત થઈ જાય છે અને જીવનમાં નકારાત્મકતા ફેલાય છે. ભૂતકાળને વહી જવા દેવો એ જ મનને શુદ્ધ રાખવાનો એકમાત્ર ઉપાય છે.
જીવન જીવવા માટે છે, જૂના બોજને વેંઢારવા માટે નહીં. આવતી કાલને સુંદર અને મહેકતી બનાવવા માટે કેટલાક સરળ અભિગમ જરૂરી છે:
🌹​ક્ષમા અને સ્વીકાર: ક્ષમા આપવી એટલે સામેવાળાની ભૂલને યોગ્ય ઠેરવવી નહીં, પરંતુ પોતાની જાતને તે પીડામાંથી મુક્ત કરવી.
🌹​વર્તમાનમાં જીવવું: જે થઈ ગયું તેને સ્વીકારીને ‘હવે શું સારું કરી શકાય?’ એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું.
🌹​સંવાદ: જૂની વાતોનું વાગોળવું બંધ કરી ખુલ્લા અને પ્રામાણિક મનથી નવો સંવાદ શરૂ કરવો.
​ભૂતકાળમાંથી માત્ર બોધપાઠ લેવાનો હોય છે, તેનો ભાર ઉપાડીને જીવવાનું હોતું નથી. જ્યારે આપણે જૂની ગાંઠો છોડી દઈએ છીએ, ત્યારે જ જીવનમાં નવા સ્નેહ અને સુખ માટે જગ્યા બને છે.
ધીરેન્દ્ર ભટ્ટના સાદર સપ્રેમ પ્રણામ સહ
સીતારામ જય ગુરુદેવ 🙏
31 ઑગસ્ટ 2026.

🌹માનવ માત્ર પોતાના અહંકાર, અનુકૂળતા અને મર્યાદિત બુદ્ધિને આધારે સત્ય અને અસત્યની પોતાની એક માપપટ્ટી ઘડી લે છે. વ્યક્તિ પ...
31/08/2026

🌹માનવ માત્ર પોતાના અહંકાર, અનુકૂળતા અને મર્યાદિત બુદ્ધિને આધારે સત્ય અને અસત્યની પોતાની એક માપપટ્ટી ઘડી લે છે. વ્યક્તિ પોતે કરેલા દરેક કૃત્યને પોતાની દલીલોથી યોગ્ય ઠેરવે છે અને માને છે કે તે સાચો જ છે. પરંતુ ભારતીય સનાતન શાસ્ત્રો સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે બ્રહ્માંડ મનુષ્યના સંકુચિત દ્રષ્ટિકોણથી નહીં, પણ ઈશ્વરના અચળ અને સાર્વભૌમ ન્યાયવિધાનથી ચાલે છે. જગતની કોઈપણ વ્યક્તિ કદાપિ પોતાની ભૂલને સ્વીકારતો નથી. પોતાનું જીવન અણિશુદ્ધ જ મને છે.ભલે એ આતંકવાદી હોય, ખૂની હોય કે મોટો ગુનેગાર હોય.એ કદાપિ પોતાને દોષી માનતો નથી.પોતાની આંખમાં પડેલો કચરો પોતાને કદાપિ દેખાતો નથી. એ જોવા માટે બીજાને કહેવું પડે અથવા દર્પણમાં જોવું પડે..પણ પોતાની ભૂલ બીજાની પાસે સાંભળવા આજે તૈયાર નથી.પોતાનો કક્કો જ સાચો માને છે.
🌹ઋત અને સનાતન કર્મ સિદ્ધાંત
વેદોમાં બ્રહ્માંડના નૈતિક અને વ્યવસ્થાપક નિયમને 'ઋત' (Ṛta) કહેવામાં આવ્યો છે. આ નિયમ પક્ષપાત રહિત છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે:
🎈ગહના કર્મણો ગતિઃ (અધ્યાય ૪, શ્લોક ૧૭)
અર્થાત્: કર્મની ગતિ અત્યંત ગહન અને સૂક્ષ્મ છે.
માણસ પોતાના મનમાં ગમે તે તર્ક કે શાણપણ ગોઠવે, પરંતુ ઈશ્વરનો 'કર્મનો કાયદો' (Law of Karma) ક્રિયાની પાછળ રહેલા સાચા ભાવ અને પરિણામને જ જુએ છે. 'યાદૃશં વપતે બીજં તાદૃશં લભતે ફલમ્'—જેવું બીજ વાવવામાં આવે તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે કર્મનો ભોગવટો (પ્રારબ્ધ) પ્રગટ થાય છે, ત્યારે તે સામાજિક દરજ્જો, બુદ્ધિચાતુર્ય કે વ્યક્તિગત માન્યતાઓને આધીન નથી હોતો.દુઃખી થતો દરેક માણસ
અહંકાર અને માયાનું આવરણ
🎈ગીતાના ત્રીજા અધ્યાયના ૨૭મા શ્લોકમાં ભગવાન કહે છે:
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે।
અર્થાત્: અહંકારથી મોહિત થયેલો અજ્ઞાની જીવ પોતાને કર્તા અને સર્વજ્ઞ માની બેસે છે.
🎈માનવીય શાણપણ માયાના ક્ષેત્ર સુધી સીમિત છે. જીવ પોતાની ભૂલોને ઢાંકવા ગમે તેટલા તર્કો રચે, પણ સર્વસાક્ષી પરમાત્મા ચિત્તવૃત્તિ અને આશયના સાક્ષી છે. ઉપનિષદો અનુસાર ઈશ્વર ‘અંતર્યામી’ છે, જે દરેક જીવના હૃદયમાં રહીને તેના સૂક્ષ્મ કર્મોની નોંધ રાખે છે.
🌹પરમ ન્યાય અને સમર્પણ
જ્યારે ઈશ્વરીય અદાલતમાં ન્યાયનો સમય આવે છે, ત્યારે વ્યક્તિનો અહંકાર, સંસારની વકીલાત અને બૌદ્ધિક ચતુરાઈ ધૂળમાં મળી જાય છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન બંને પાસે વિરાટ બુદ્ધિ અને પોતાનો પક્ષ સાચો સાબિત કરવાના તર્કો હતા; છતાં પરમ ન્યાય સામે તેમનો અહંકાર ટકી શક્યો નહીં.
🌹શાસ્ત્રોનો સાર એ છે કે જીવે પોતાનું કૃત્રિમ શાણપણ છોડીને ઈશ્વરના વિધાનને સ્વીકારવું જોઈએ. જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની મિથ્યા જીદ છોડી 'શરણાગતિ' અને 'ધર્મ'નો માર્ગ નહીં અપનાવે, ત્યાં સુધી તે કર્મના બંધનો અને દુઃખોમાંથી મુક્ત થઈ શકતો નથી. પરમ સત્તા સમક્ષ નમ્રતા અને ધર્મપાલન જ સાચું જ્ઞાન છે.
ધીરેન્દ્ર ભટ્ટના સાદર સપ્રેમ પ્રણામ સહ
સીતારામ જય ગુરુદેવ દત્ત 🙏

પરમ પૂજ્ય ભાગવત આચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા,જેમણે શ્રીમદ્ ભાગવતને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી જન જન સુધી પહોંચાડવાનું ઈશ્વ...
31/08/2026

પરમ પૂજ્ય ભાગવત આચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા,જેમણે શ્રીમદ્ ભાગવતને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી જન જન સુધી પહોંચાડવાનું ઈશ્વર કાર્ય કર્યું છે.
પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) દ્વારા મુખ્યત્વે પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનની સ્થાપના કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિ, વેદ, સંસ્કૃત શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓનું વિશ્વપ્રસિદ્ધ કેન્દ્ર છે.
જામનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ સંસ્કૃત પાઠશાળાઓ, સંસ્કાર કેન્દ્રો અને સામાજિક-ધાર્મિક ટ્રસ્ટો કાર્યરત છે, જે સંદીપની વિદ્યાનિકેતન સંલગ્ન પ્રવૃત્તિઓ ચલાવે છે.
એવા મહાન વ્યક્તિના જન્મદિવસે અનંત કોટિ એમના ચરણે પ્રણામ સહ જન્મદિવસની શુભકામનાઓ..ઈશ્વર એમને આપણી વચ્ચે તંદુરસ્ત દીર્ઘાયુ આપી ,આવું મધુર ઈશ્વર ગુણાનુવાદ કરતા રાખે એવી પ્રાર્થના..
જય શ્રી કૃષ્ણ 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹

શીતળા સાતમ આવી રહી છે.ખૂબ મહિમા છે..શરીર પર કોઈ સ્ફોટક રોગ થયો હોય.ચામડીનો ભયંકર રોગ થયો હોય..બાળકોને ઓળી, અછબડા થયા હોય...
29/08/2026

શીતળા સાતમ આવી રહી છે.ખૂબ મહિમા છે..શરીર પર કોઈ સ્ફોટક રોગ થયો હોય.ચામડીનો ભયંકર રોગ થયો હોય..બાળકોને ઓળી, અછબડા થયા હોય, સોર્યાસિસ જેવો ભયંકર રોગ થયો હોય ..આવા રોગ માટે માતાજી આગળ વિધિ વિધાનથી આ પાઠના આવર્તન કરવાથી આવા રોગ ત્વરિત શાંત થાય છે.આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે.

॥ શ્રી શીતળાષ્ટકમ્ પાઠ ॥
॥ સરળ ગુજરાતી અર્થ ॥
🌹​ધ્યાનમ્
​વન્દેઽહં શીતલાં દેવીં રાસભસ્થાં દિગમ્બરામ્ ।
માર્જનીકલશોપેતાં સૂર્પાલઙ્કૃતમસ્તકામ્ ॥
​અર્થ: જેઓ ગધેડા પર બિરાજમાન છે, દિશાઓ જ જેમનાં વસ્ત્ર છે, હાથમાં સાવરણી તથા કળશ ધારણ કરેલ છે અને મસ્તક પર સૂપડું શોભે છે—તેવાં શ્રી શીતળા દેવીને હું વંદન કરું છું.
​સ્તોત્ર પાઠ
​વન્દેઽહં શીતલાં દેવીં રાસભસ્થાં દિગમ્બરામ્ ।
માર્જનીકલશોપેતાં સૂર્પાલઙ્કૃતમસ્તકામ્ ॥ ૧ ॥
🎈​અર્થ: ગર્દભ પર સવાર, હાથમાં સાવરણી-કળશ અને માથા પર સૂપડું ધારણ કરનાર શીતળા માતાને વંદન.
​વન્દેઽહં શીતલાં દેવીં સર્વરોગભયાપહામ્ ।
યામાસાધ્ય નરો મુચ્યેત મહારોગભયાદપિ ॥ ૨ ॥
🎈​અર્થ: સર્વ રોગોના ભયને હરનારાં શીતળા દેવીને નમસ્કાર, જેમનો આશ્રય લેવાથી મનુષ્ય મોટામાં મોટા રોગના ભયમાંથી પણ મુક્ત થઈ જાય છે.
​શીતલે શીતલે ચેતિ યો બ્રૂયાદ્ દાહપીડિતઃ ।
વિસ્ફોટકભયં ઘોરં ક્ષિપ્રં તસ્ય પ્રણશ્યતિ ॥ ૩ ॥
🎈​અર્થ: બળતરા કે તાવથી પીડાતો મનુષ્ય જો ભક્તિભાવપૂર્વક "શીતળા, શીતળા" નામનું સ્મરણ કરે, તો તેનો ભયંકર ફોલ્લા/ઓરી-અછબડાનો રોગ ઝડપથી નાશ પામે છે.
​યસ્ત્વામુદકમધ્યે તુ ધ્યાત્વા સમ્પૂજયેન્નરઃ ।
વિસ્ફોટકભયં ઘોરં ગૃહે તસ્ય ન જાયતે ॥ ૪ ॥
🎈​અર્થ: જે મનુષ્ય જળમાં માતાજીનું ધ્યાન ધરીને પૂજન કરે છે, તેના ઘરમાં ક્યારેય શીતળા કે દાહક રોગોનો ભય રહેતો નથી.
​શીતલે ત્વં જગન્માતા શીતલે ત્વં જગત્પિતા ।
શીતલે ત્વં જગદ્ધાત્રી શીતલાયૈ નમો નમઃ ॥ ૫ ॥
🎈​અર્થ: હે શીતળા માતા, તમે જ જગતના માતા છો, તમે જ જગતના પિતા છો અને સમગ્ર સંસારનું પાલનપોષણ કરનારા પણ તમે જ છો. તમને વારંવાર પ્રણામ.
​રાસભો ગર્દભશ્ચૈવ ખરો વૈશાખનન્દનઃ ।
એતાનિ ખરનામાનિ શીતલાગ્રે તુ કીર્તયેત્ ॥ ૬ ॥
🎈​અર્થ: રાસભ, ગર્દભ, ખર અને વૈશાખનંદન—શીતળા માતા સમક્ષ તેમના વાહન ગર્દભના આ નામોનું પણ કીર્તન કરવું જોઈએ.
​તસ્ય ગેહે શિશૂનાં ચ ન ભવેદ્ દાહજો જ્વરઃ ।
વિસ્ફોટકભયં ચૈવ ન કદાચિદ્ ભવિષ્યતિ ॥ ૭ ॥
🎈​અર્થ: આમ કરવાથી તેના ઘરમાં બાળકોને તીવ્ર બળતરાવાળો તાવ આવતો નથી અને ચામડીના રોગોનો ઉપદ્રવ થતો નથી.
​પ્રણમ્ય શિરસા દેવીં શીતલાં પરમેશ્વરીમ્ ।
વિસ્ફોટકભયં ઘોરં ન ભયં તસ્ય જાયતે ॥ ૮ ॥
🎈​અર્થ: મસ્તક નમાવીને પરમેશ્વરી શીતળા માતાને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરવાથી સર્વ પ્રકારના ભયંકર રોગભય દૂર થાય છે.
​ફલશ્રુતિ
​યઃ પઠેત્ પ્રાતરુત્થાય શીતલાષ્ટકમાદરાત્ ।
તસ્ય રોગભયં નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત્ ॥
🎈​અર્થ: જે મનુષ્ય સવારે વહેલા ઊઠીને આદરપૂર્વક આ શીતળાષ્ટકનો પાઠ કરે છે, તેને રોગનો ભય રહેતો નથી અને તે દરેક કાર્યમાં સફળતા પામે છે.
ધીરેન્દ્ર ભટ્ટના સાદર સપ્રેમ પ્રણામ.
29 ઓગસ્ટ 2026.

     પોતાની ભૂલ નીડરપણે સ્વીકારતા શીખવું પડશે.જે માણસ ભૂલ સ્વીકારતો નથી અને છુપાવે છે, તે માણસ ભીરુ અને બીકણ બને છે.સજાન...
29/08/2026


પોતાની ભૂલ નીડરપણે સ્વીકારતા શીખવું પડશે.જે માણસ ભૂલ સ્વીકારતો નથી અને છુપાવે છે, તે માણસ ભીરુ અને બીકણ બને છે.સજાની બીકને કારણે ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી થતો.
નીડર થવું હોય તો જે કંઈ નાની મોટી ભૂલ હોય એનો સ્વીકાર કરી લો.ચોક્કસ માણસની બીક જીવનમાં ક્યારેય પણ એને નહીં સતાવે.
જય મહારાજ🙏
પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજશ્રીના આજના પ્રાતઃ સત્સંગનું અમૃત (29 ઓગસ્ટ 2026 )
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌹સંતવાણી અને ભારતીય સનાતન દર્શન અનુસાર, ભૂલ સ્વીકારવી એ આંતરિક નિર્ભયતા, સત્ય અને શુદ્ધિનું પ્રથમ પગથિયું છે. પૂજ્ય શ્રી રામદાસજી મહારાજશ્રીનો આ સંદેશ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ગહન છે.
🌹સત્ય અને નિર્ભયતાનો સંબંધ
ઉપનિષદ કહે છે: "સત્યમેવ જયતે નાનૃતમ્" (સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં). જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવે છે, ત્યારે તેણે એક અસત્યને ઢાંકવા માટે સો નવા અસત્ય બોલવાં પડે છે. આ અસત્ય તેના મનમાં ભય, ચિંતા અને સંકોચ પેદા કરે છે.
જ્યારે વ્યક્તિ નીડર બનીને ભૂલ સ્વીકારી લે છે, ત્યારે તે સીધો સત્યના આશ્રયમાં આવી જાય છે. જે સત્યના પક્ષે ઊભો રહે છે, તેને સંસારમાં કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિનો ભય રહેતો નથી, કારણ કે આંતરિક નિર્દોષતા જ સૌથી મોટી શક્તિ છે.
🎈પ્રાયશ્ચિત્ત અને અંતઃકરણની શુદ્ધિ
સ્મૃતિશાસ્ત્રો અને ધર્મશાસ્ત્રોમાં ભૂલ કે પાપના નિવારણ માટે સૌથી ઉત્તમ માર્ગ 'પ્રાયશ્ચિત્ત' ગણાવ્યો છે:
🎈કૃત્વા પાપં હિ સંતપ્ય
તસ્માત્ પાપાત્ પ્રમુચ્યતે ।
નૈવં કુર્યાં પુનરિતિ
નિવૃત્ત્યા પૂયતે તુ સઃ।। (મનુસ્મૃતિ)
(પોતાની ભૂલનો પશ્ચાતાપ કરીને અને ભવિષ્યમાં તે ફરી નહીં કરવાનો દ્રઢ સંકલ્પ લઈને જ વ્યક્તિ દોષમુક્ત અને પવિત્ર બને છે.)
🎈જ્યાં સુધી ભૂલનો સ્વીકાર ન થાય, ત્યાં સુધી સુધારા કે સાધનાની શરૂઆત શક્ય નથી. ભૂલ સ્વીકારવાથી અહંકારનો નાશ થાય છે અને નમ્રતા પ્રગટે છે.
🌹ભીરુતામાંથી મુક્તિ
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપદાના ગુણોમાં સૌથી પહેલું સ્થાન "અભયમ્" (નિર્ભયતા)ને આપવામાં આવ્યું છે. ભૂલ છુપાવનાર વ્યક્તિ સતત એ ભયમાં જીવે છે કે "મારું રહસ્ય ક્યારેક ખુલ્લું પડી જશે તો શું થશે?" આ ભય તેને માનસિક રીતે કમજોર અને કાયર બનાવે છે. ભૂલ સ્વીકારી લેવાથી મનનો આ મોટો બોજ ઉતરી જાય છે અને ચિત્ત તદ્દન હળવું તથા નિર્ભય બને છે.
🎈જ્યારે સાધક પોતાની ક્ષતિઓનો નિખાલસ સ્વીકાર ઈશ્વર, સંત કે સંસાર સામે કરે છે, ત્યારે તેનું હૃદય નિર્મળ બને છે અને નિર્મળ અંતઃકરણ જ ઈશ્વરકૃપાનું પાત્ર બને છે.
સર્વેને સાદર સપ્રેમ પ્રણામ સહ
ધીરેન્દ્ર ભટ્ટના
જય મહારાજ 🙏

Address

75/Sarthak Tenament Ghodasar Amadavad
Ahmedabad
380050

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurukrupa hi kevlam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share