14/04/2020
#શ્રી_ખોડલધામ_મંદિર_શિલાથી_શિખ_સુધી #વર્ષ_૨૦૧૨
કમશઃઆગળ
#શિલા_પૂજન વિધિ ૨૧-૦૧-૨૦૧૨
૨૧ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ શ્રી ખોડલધામ મંદિરની શિલાન્યાસ વિધિમાં લેઉવા પટેલ સમાજે દેશ અને દુનિયાને પોતાની ભક્તિ દ્વારા એકતાની શક્તિના દર્શન કરાવ્યા હતા. શિલાન્યાસ વિધિ બાદ ખોડલધામના આંગણે અવસર હતો શિલાપૂજન વિધિનો. શિલાન્યાસ વિધિના બરાબર એક વર્ષ બાદ એટલે કે ૨૧ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ શ્રીખોડલધામ મંદિરનો શિલાપૂજન વિધિ સમારોહ યોજાયો. ખોડલધામમાં એકસાથે ૨૪,૪૩૫ દંપતી દ્વારા થયેલી શિલાપૂજન વિધિ દરેકને માટે એક ઐતિહાસિક સંભારણું બની રહી. ૨૧ લાખ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ શિલાપૂજન વિધિ સમારોહ ૨૧મી સદીની એક ઐતિહાસિક ઘટના સમાન હતો. શિલાન્યાસ વિધિમાં ૧૧ લાખ લોકોની ઉપસ્થિતિ બાદ એક જ વર્ષના ટૂંકા ગાળામાં શિલા પૂજનવિધિમાં ૨૧ લાખની જનમેદની. આ દર્શાવતું હતું કે લેઉવા પટેલ સમાજ ખોડલધામના નેજા હેઠળ એક બની રહ્યો છે.
આમ તો આ શિલાપૂજન વિધિમાં ૨૧,૦૦૦ દંપતીઓ જ ભાગ લેવાના હતા. પરંતુ માઁ ખોડલ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને સદીઓમાં એકવાર આવતા આવા અમૂલ્ય પ્રસંગનો એક ભાગ બનવા છેલ્લી ઘડીએ ભાવિકોનો ઘસારો થયો અને ૨૧ હજારની જગ્યાએ ૨૪,૪૩૫ દંપતીઓએ શિલાપૂજન વિધિ કરી. શિલાપૂજન વિધિમાં બેઠેલા ૪૮ હજાર ૮૭૦ લોકોએ એકબીજા સાથે હસ્તધૂનન કર્યા આ વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત પામ્યો. સમગ્ર જ્ઞાતિના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતી અને તેની સફળતા સમસ્ત લેઉવા પટેલ સમાજને આભારી છે.
શિલાપૂજન વિધિની સમગ્ર વ્યવસ્થાની વાત કરીએ તો આ સમારોહમાં કોઈપણ પ્રકારના ઔપચારિક નિમંત્રણ વિના જ લાખોની જનમેદની ઉમટી પડી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં પાંચ લાખ લોકો તો રાત્રે જ ખોડલધામ પહોંચી ગયા હતા. આશરે ૫૦૦ વીઘામાં આ જાજરમાન ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૦૦ વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડ વધુ હોવાથી ૪ મોબાઈલ કંપની દ્વારા સ્થળ પર ટાવર ઊભા કરવામાં આવ્યા હતા. આશરે ૨૫,૦૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે રહીને સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ રીતે લેઉવા પટેલ સમાજના ૨૪,૪૩૫ દંપતીઓ દ્વારા "ન ભૂતો ન ભવિષ્યતિ" સમાન શિલાપૂજન વિધિ ખોડલધામના આંગણે યોજાઇ હતી.
શિલાપૂજન વિધિ બાદ ખોડલધામ મંદિરના નિર્માણનું કામ તેજગતિથી આગળ વધવા લાગ્યું. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના ગુલાબી પથ્થરમાંથી બનાવવાનું હતું. આ પથ્થર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળે છે. ખોડલધામ મંદિરનું બાંધકામ કરવા આવા બે લાખ ઘનફૂટ પથ્થરોની ખરીદી શરૂ થઈ ચૂકી હતી. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બયાના ગયા અને પથ્થરોની ચકાસણી કરીને ખરીદી શરૂ કરી. પહેલા ખરીદેલા પથ્થરની ટ્રસ્ટીઓના હસ્તે પૂજા કરવામાં આવી અને ખોડીયાર માતાની જય સાથે પથ્થર ટ્રકમાં ચઢાવવામાં આવ્યો. રાજસ્થાનથી કાગવડ સુધી ટ્રકમાં ભરીને પથ્થર લાવવાનું કામ જરાય સહેલું નહોતું પરંતુ મા ખોડલના આશીર્વાદથી વિઘ્નો દૂર કરીને અડગ મનથી નરેશભાઈ તેમજ ટ્રસ્ટીઓ, કન્વીનરો અને સ્ટાફ કામે લાગી પડ્યા. આ રીતે પથ્થરો પહોંચતા રહ્યા અને સતત પાંચ વર્ષ સુધી આ મંદિરનું કામ ચાલતું રહ્ય